143 વર્ષ પહેલા મોરબીના રાજાએ કેબલ બ્રિજ બનાવ્યો હતો, જાણો મોરબી બ્રિજની દુર્ધટના
ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો
દુર્ઘટનામાં ઓછામાં ઓછા 141લોકો મૃત્યુ પામ્યા
6મહિનાના બંધ અને સમારકામ પછી 28ઓક્ટોબરે પુલ ફરીથી ખુલ્લો મુકાયો હતો
તહેવારોની રજાઓ અને રવિવારના કારણે ભારે ધસારો હતો
સેના પણ બચાવ કામગીરીમાં જોડાઈ, NDRF અને SDRFની ટીમો પણ હાજર હતી
મેનેજમેન્ટ સામે કેસ દાખલ કરાયો
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્યના મોરબી શહેરમાં પુલ ધરાશાયી થતાં ઓછામાં ઓછા 141લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે.
અંગ્રેજોના જમાનામાં બનેલો આ પુલ થોડા દિવસો પહેલા સમારકામ બાદ ફરી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તહેવારની રજાઓ અને રવિવાર હોવાના કારણે અહીં રજાની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
મોરબીના જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 170લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મીડિયા સાથે વાત કરતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે રાત્રે એક વાગ્યા સુધી 68લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
સંઘવીએ જણાવ્યું હતું કે, “અકસ્માતની જાણ થતાં જ વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબીમાં છે અને દુર્ધટનામાં ઇજાગ્રસ્ત લોકોની ખબર લેવા હોસ્પિટલ ગયા છે.”
ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, બ્રિજનું સંચાલન કરવા માટે જવાબદારો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને સરકાર પીડિતોને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે.
રવિવારે રાત્રે લગભગ 10વાગ્યે બીબીસી સાથે વાત કરતાં સ્થાનિક બીજેપી સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું, “ડૂબી ગયેલા લોકોની શોધખોળ ચાલુ છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી કોઈની હાલત ગંભીર નથી. પુલ પર લટકતા હતા તે તમામને બચાવી લેવમાં આવ્ય છે.”
કુંડારિયાના કહેવા પ્રમાણે, “બ્રિજ પર કેટલા લોકો હાજર હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. પરિવારના નિવેદન અને વહીવટી અધિકારીઓની ગણતરી બાદ જ કુલ કેટલા લોકો હતા તે કહી શકાશે.”
પરંતુ સ્થાનિક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિજ પર ચારસોથી વધુ લોકો હાજર હોઈ શકે છે.
નદી પરનો બંધ તોડવામા આવ્યો હતો:-
ઘણા લોકો હજુ પણ મોડી રાત સુધી ગુમ હતા અને તેમના પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. પાણી રોકવા માટે મચ્છુ નદી પર નાના નાના ડેમ બનાવવામાં આવ્યા છે. ડૂબી ગયેલા લોકોની શોધખોળ માટે બ્રિજ પાસે બનેલો આવો જ એક બંધ મોડી રાત્રે તોદવામાં આવ્યો હતો.
બીબીસીના સહયોગી પત્રકાર રાકેશ આંબલિયાના જણાવ્યા અનુસાર જ્યાં પુલ તૂટ્યો છે ત્યાં સામાન્ય રીતે વીસ ફૂટથી વધુ પાણી હોય છે.
સોમવારે સવારે એક વાગ્યા પછી પણ ડૂબી ગયેલા લોકોની શોધખોળ હજુ ચાલુ હતી.
સ્થાનિક સાંસદ મોહન કુંડારિયાના જણાવ્યા અનુસાર, “પાણી ઓસર્યા બાદ જ ખબર પડશે કે હજુ કેટલા લોકો પાણીમાં ડૂબી ગયા છે. રાજકોટ, જામનગર અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી પણ ટીમો અહીં પહોંચી રહી છે અને રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.”
ચારે બાજુ લોકોની ચીસોચીસ હતી:-
આ અકસ્માત સાંજે 6વાગ્યાની આસપાસ થયો હતો. બીબીસીના સહયોગી પત્રકાર રાકેશ આંબલિયા સાડા છ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આંબલિયાના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ તરત જ એમ્બ્યુલન્સ અને વહીવટી અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ડૂબતા લોકોને બચાવવામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા.
આંબલિયાના જણાવ્યા અનુસાર, “જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ચારેબાજુ ચીસો પડી રહી હતી. તે ખૂબ જ ભયાનક દ્રશ્ય હતું. કેટલાક લોકો પુલની રેલિંગ પર લટકતા હતા અને કેટલાક પુલના ડૂબેલા ભાગ પર ચઢીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. .. ઘણા લોકો ડૂબી રહ્યા હતા. બચાવ માટે બૂમો પડી રહી હતી.
આંબલિયા સમજાવે છે, “સ્થળ પરથી ભાગી રહેલા એક વ્યક્તિએ કહ્યું, મૈં તો કિસીહ તરહ બચ ગયા હૂં, ઘણા લોકો ફસાયા છે. તેમને બચાવો.”
અકસ્માતની જાણ થતાં જ શહેરની તમામ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. નજીકના શહેરોમાંથી એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી. મોરબી ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી.
છ માસ બાદ પુલ ખુલ્લો મુકાયો હતો:-
મચ્છુ નદી મોરબી શહેરને બે ભાગમાં વહેંચે છે. આ બ્રિટિશ સમયનો સ્વિંગ બ્રિજ શહેરના આ બે ભાગોને જોડે છે અને તે શહેરનું એક લોકપ્રિય પ્રવાસન કેન્દ્ર છે.
આ પુલ છ મહિના પહેલા સમારકામ માટે બંધ કરાયો હતો. તે દિવાળીના એક દિવસ પછી, ગુજરાતી નવા વર્ષ નિમિત્તે 28ઓક્ટોબરના રોજ જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું.
રાકેશ આંબલિયાના જણાવ્યા મુજબ રવિવાર અને રજાના દિવસોને કારણે અહીં સામાન્ય દિવસોની સરખામણીમાં ઘણી ભીડ હતી. આ જ કારણ છે કે પુલ ધરાશાયી થવાથી ઘણા લોકો પાણીમાં ડૂબી ગયા હતા.
શાળાની રજાના કારણે બ્રીજ પર મોટી સંખ્યામાં બાળકો પણ હાજર રહ્યા હતા. આંબલિયા જણાવે છે કે, “આ પુલ મોરબીની ઓળખ છે, તેથી જ્યારે તે મહિનાઓ સુધી બંધ રહ્યા બાદ ફરીથી ખોલવામાં આવ્યો ત્યારે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ઘણા લોકો તેમના પરિવાર સાથે આવ્યા હતા.”
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ મોરબી પાલિકાએ હજુ સુધી બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું ન હતું.
મોરબી નગરપાલિકાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, “આ બ્રિજને આ વર્ષે માર્ચ મહિનામાં સમારકામ અને સંચાલન માટે પંદર વર્ષ માટે ઓરેવા કંપનીને સોંપવામાં આવ્યો હતો. તેને સમારકામ માટે લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો. રિપેરિંગની કામગીરી બાદ તેને ફરીથી ખોલવામાં આવી હતી. પરંતુ મ્યુનિસિપાલિટીએ સમારકામ પછી તેનું ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું ન હતું.
આ પુલ 19મી સદીમાં મોરબીના રાજવી પરિવારના બે મહેલો, દરબારગઢ મહેલ અને નજરબાગ મહેલને જોડવા માટે બનાવવામાં આવ્યો હતો, જે નદીની બંને બાજુએ આવેલા છે.
1.25 મીટર પહોળો પુલ 233 મીટર લાંબો હતો. મોરબી જિલ્લાની વેબસાઈટ મુજબ, આ પુલ તે સમયે યુરોપમાં ઉપલબ્ધ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો અને તેનો હેતુ “મોરબીના શાસકોના વૈજ્ઞાનિક અને પ્રગતિશીલ દૃષ્ટિકોણને દર્શાવવાનો હતો.”
‘મેં દોરડા વડે પંદર મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા‘:-
અકસ્માત થતાં જ આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. જ્યાં પુલ તૂટ્યો ત્યાંથી ખુબજ નજીકમાં રહેતા રમેશ ભાઈ જીલરીયા નીચેની વિગત જણાવે છે.
બીબીસી એસોસિયેટ જર્નાલિસ્ટ રાકેશ આંબલિયા સાથે વાત કરતાં રમેશ ભાઈ કહે છે, “હું નજીકમાં જ રહું છું, સાંજે લગભગ છ વાગ્યે મને ખબર પડી કે અકસ્માત થયો છે, તેથી હું તરત જ દોરડા સથે ત્યાં પહોંચ્યો અને દોરડાની મદદથી અમે લગભગ પંદર જેટલા મૃતદેહો બહાર કાઢ્યા હતા.
તે ઘટના પછીની પરિસ્થિતિ વિશે સમજાવતા તેઓ કહે છે, “હું આવ્યો ત્યારે તૂટેલા પુલ પર પચાસથી સાઠ લોકો લટકતા હતા. અમે સમજાવીને તે લોકોને ઉપર મોકલી દીધા.”
“તે પછી, જેમ જેમ અમને મૃતદેહો મળ્યા, તેમને અમે બહાર કાઢ્યા. તે મૃતદેહોમાં ત્રણ નાના બાળકો હતા.”
અકસ્માતના પ્રત્યક્ષદર્શી સુભાષભાઈ કહે છે, “કામ પૂરું કર્યા પછી હું અને મારો મિત્ર બ્રિજ પાસે બેઠા હતા. પુલ તૂટવાનો જોરદાર અવાજ આવ્યો અને અમે તેની તરફ દોડ્યા અને લોકોને બચાવવાનું શરૂ કર્યું.
“કેટલાક લોકો તરીને બહાર આવી રહ્યા હતા. કેટલાક લોકો ડૂબી રહ્યા હતા. અમે પહેલા બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. પછી અમે પાઇપ લીધી અને પાઇપની મદદથી અમે વૃદ્ધ લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો. અમે આઠ-નવ લોકોને બહાર કાઢ્યા હતા અને બે મૃતદેહો પાણી માથી બહાર કાઢ્યા.”
લોકો પાસેથી માહિતી મેળવવા અપીલ:-
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જિલ્લા આપત્તિ નિયંત્રણ ખંડે મોરબીમાં પુલ તૂટી પડવાની દુર્ઘટના સંબંધિત પીડિતોના પરિવારો માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે જેમના પરિવારના સભ્યો હજુ પણ ગુમ છે તેઓ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરી શકે છે. હેલ્પલાઈન નંબર 02822 243300
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકસ્માતમાં મૃત્યુ પામેલાલોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમણે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે.
પ્રધાનમંત્રી રાહત કોશ તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
મોરબી ઝુલતા પુલનો દુર્ધટના સમયેનો વિડિયો જે સીસી ટીવી મા થયો કેદ……